પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Tuesday, September 20, 2022

શું લાગે છે ?

 

લાગણી ભીંજાય છે સુકા આ રણમાં

વાત તો ફેલાય છે પ્રેમની આખા મલકમાં

શું લાગે છે ?

નથી પાણી ત્યાં પાણી બતાવે, ઝાંઝવાના નીર ?

ભાવનાની કદર નથી ને બૂમો પાડે રાનમાં !

શું લાગે છે ?

નાવ ચાલે દરિયા મહી ને હલેસાં કાં હાથમાં ?

માનવતાને ઠેબે ચડાવી કહ્યું તેં કંઈ કાનમાં ?

શું લાગે છે ?

નથી જીરવાતી વાત હૈયે રાખવી કે  પેટમાં ?

વાત દોરંગી, વાસના દોરંગી જઈ રહી જાનમાં !

શું લાગે છે ?

માનવજીવન કેટલીવાર મળે દગો શા કામનો ?

વારેવારે જુઠ્ઠું બોલી   વાતમાં ને વાતમાં

શું લાગે છે ?

રાત છે કે દિવસ શી ખબર સમજ કંઈ પડતી નથી

પ્યાર છે કે છે આડંબર, ભાવ છે કે ભણકારા !

શું લાગે છે ?

પ્રિયતમને ....

 

આવીશું તો ખરા પણ ભાર જરાય દઈશું નહિ

અમથા અમથા સાવ તમનેય હેરાન કરીશું નહિ

શા માટે  આમ રસ્તો રોકો છો અમારો ?

ભર બજારે આમ ક્યાં અમને ટોકો છો ?

ચાલો, આવો બેસીએ અહીં ઘડી બે ઘડી...

વાતો કરીએ અતીતની તોડી હોઠની બેડી !

લઈ હાથમાં હાથ એકમેકને આમ મળીએ

જો મળે શ્વાસ ને ભાવ બેયનો આપસમાં

તો સરજાય સંગમ અનોખો આ હથેળીમાં !

આવો, અહી પકડીએ આ નમણી નાજુક ડાળને

પણ જોજો સાવ અડી ન જતાં આ લજામણીને

સંબંધો છે સાવ એવા જ ઋજું જો જો વિલાય ના !

એવો નિજાનંદ જોઈએ !

 

હોય ભલે ઘનઘોર અંધારું આસપાસમાં

દોસ્ત ! આતમનું અજવાળું જોઈએ

રહો પાસ યા દૂર શું ફરક પડે ?

પ્રીતિ હોય ભારોભાર એવી

બસ, લાગણીનો અહેસાસ જોઈએ ...!

ક્યાં મળ્યાં હતાં એવું શું કામ પૂછો છો ?

ને રૂઝાયેલા ઘા હવે શું કામ ખોલો છો ?

ભૂતકાળ બધો હવે ભૂલી જાવ

ઠંડી શી હવાનો અહેસાસ જોઈએ

બસ, બાગબાન એવો તરોતાજા જોઈએ.

શાને પરવા કરો છો કાલની ...હં ...?

આજે મળ્યાનો અહેસાસ તો થવા દો.

નથી થઈ બે ચાર વાતો હજી હાશ તો થવા દો

સાચવીને ઊતરજો જરા પકડી હાથ એકમેકનો

બસ, દિલ આપી શકો અવરને એવો નિજાનંદ જોઈએ !

જાવ કોઈ ફરિયાદ હવે કરવી નથી

તમે ક્યાં છો પારકા રાવ હવે નથી કરવી !

મળ્યા જિંદગી મઝધારે ને હાથ ઝાલી લીધો

પ્રેમ કોને કહેવાય એ પણ કોણ જાણે ભલા !

બસ, પોતીકાપણાનો જરીક ભાવ જોઈએ !

એક ઘર બનાવીએ ....!

 

ચાલ, એક ઘર બનાવીએ...!

રેતી હોય કે હોય ભીના સાંઠા

કાગળ હોય કે હોય કચરો

હૈયે વળગાડી વ્હાલપથી લીંપી

                                                                                            ચાલ, એક ઘર બનાવીએ ....!

હોય સમંદર સામે ભલે અફાટ,

સુનામી હોય કે હોય વાવાઝોડું

ઝંઝાવાત સામે અડીખમ રહે

એવું એક ખોરડું બનાવીએ

                                                                                            ચાલ, એક ઘર બનાવીએ ....!

ક્યાં જઈ મળીશું અફાટ આ રણમાં,

કોને પૂછીએ મારગ આ મલકમાં !

હવે અલગારી બની ક્યાં ભટકીએ

દિલ ઠરે એવો શીતળ છાંયડો શોધીએ,

                                                                                           ચાલ, એક ઘર બનાવીએ ....!

જ્યાં ન હોય કંટક ને કાંકરા

ના હોય શબ્દોના શર આકરા

હોય બધું નિર્મળ નિર્મલ

શીતળતાનો અનુભવ થાય એવું

                                                                                        ચાલ, એક ઘર બનાવીએ ....!

શું કરીશું આ ફડીયા બધાં ?

શું કરીશું આ આલીશાન તાબૂતને

યાદ શું કરીએ સ્વાર્થ સબંધને

અલગારી જિંદગી મળે એવું

                                                                                           ચાલ, એક ઘર બનાવીએ ....!

જો હોય સાથ  તારો બાકી કોનો આશરો ?

રાત બાકી વાત બાકી કેમ થાય છણકો ?

દયા નથી દાખવી બરછટ ઘણી

જિંદગી એવી ને શમણાં ઘણાં મનમાં

જ્યાં આશા ને ઉમંગો જો મળે !

                                                                                            ચાલ, એક ઘર બનાવીએ ....!

નથી રાખવી શેહ શરમ શેનો આ પડદો

મટતી નથી માયાજાળ કરોળિયાનું જાળું ?

ચાલ, હાથમાં હાથ ઝાલી એકમેકનો

ક્ષિતિજ જ્યાં ઢળે ધરતીને ખૂણે...! 

                                                                                           ચાલ, એક ઘર બનાવીએ ....!

 

વર્તમાન પરિસ્થિતિનું નેતૃત્વ કેવી રીતે કરીશું ?

 

How to lead current situation ?

 

આજે સંપત્તિ ઘણી વધી હોવા છતાં વધુ સુખી થવાની વાત તો દુર પરંતુ લોકો વધુ બેબાકળા બનીને જીવતા દેખાય છે. દુનિયામાં ઘણા લોકો એક જુદી જ ધાર્મિકતા તરફ વળ્યા છે. મહદ અંશે આ ધાર્મિકતા તેમની ઓળખના કે રૂઢિના ભાગ રૂપે નથી, કે નથી તે શ્રધ્ધામાંથી જન્મી. પોતાને પડતી તકલીફો અને ચિંતાઓમાંથી કોઈ દૈવી શક્તિ - પછી ભલે તે ગમે તે ધર્મની હોય - ની અવિરત મદદ માંગતી આ ધાર્મિકતા છે. આંતકવાદ અને સામાજિક અરાજકતા બંને વકરી રહ્યા છે !  મોટા દેશોમાં ફાસીવાદી તત્વો જોરશોરથી સત્તા પર આવી રહ્યા છે અથવા આવી ગયા છે. એક લગભગ સરખો આક્રમક કહી શકાય તેવો વ્યક્તિવાદ પણ હવે ઝડપથી આપણી નજીકને નજીક આવી રહ્યો છે.

આજે આ વ્યક્તિવાદ એ આપણા મૂળભૂત સમાજવાદને મીઠી ફૂંકથી જાણે કોતરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ પોતાને માટે જવાબદાર તો બની રહ્યો છે પણ બીજાના અથવા સમાજના પ્રશ્નોથી તે વધુને વધુ વેગળો થતો જાય છે. `સામાન્ય માણસ’ ને પોતાના જીવન નિર્વાહમાં થી  કે `હજી વધુ કમાવામાંથી ’  ફુરસદ નથી. કુટુંબોનું બંધારણ ધરમૂળથી બદલાયું છે. નવી પેઢીને લગ્ન કરવા નથી અથવા તો લગ્ન પછી બાળક જોઈતું નથી.  છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે, આપઘાતો વધ્યા છે. વિકસિત દેશો સહિતના સમાજોમાં પણ બાળકોના પ્રશ્નોમાં સતત અને ભયજનક વધારો થયો છે. એક જ વાક્યમાં કહીએ તો આજનો “સામાન્ય માણસ”, કે જે ગમે ત્યારે દરેક સમાજનો એક બહોળો ભાગ હોય છે, તે પીસાતો હોય તેવી લાગણી અનુભવે છે. આ જે કંઈ બની રહ્યું છે તે બનાવોની પીડા સાર્વત્રિક હોવા છતાં આક્રોશ છૂટો છવાયો અને વ્યક્તિગત ધોરણે જ વ્યક્ત થાય છે, જાણે કે લોકો એકલા અટુલા અને દિશાહીન બની ગયા છે. આવું કેમ બન્યું અને હજી બની રહ્યું છે તે અંગે થતી ચર્ચાઓ પણ સમજવા જેવી છે. અમુક લોકો આવકની વધેલી અને વધતી અસમાનતાને દોષિત ગણે છે  તો બીજા અમુક લોકો સંપન્ન મૂડીવાદીઓ, ગુંડાઓ, અને રાજકારણીઓ વચ્ચેના ગઠબંધન અને તેમના દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને દોષ આપે છે. બીજા અમુક લોકો ટેકનોલોજીના વિકાસને પણ આવી સાંપ્રત પરિસ્થિતિ અને આવા બનાવો માટે કારણભૂત ગણે છે. અમુક લોકો ઉભરતી ધર્મ આધારિત કટ્ટરતાને અથવા ધાર્મિકતાને કારણભૂત ગણે છે. આમ અત્યારની પરિસ્થિતિ કઈ રીતે ઉદભવી તે અંગે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. મારા મતે હાલના બનાવોને એક ઉત્ક્રાન્તિની પ્રક્રિયા તરીકે જોવા જોઈએ. જુદા જુદા તબક્કે કયા પરિબળોએ તેમાં ભાગ ભજવ્યો છે તે અંગે સમજવું અથવા અધ્યયન કરવું રહ્યું ! આ રીતે પ્રાપ્ત થતાં કારણોની યોગ્ય સમજ જ આ પરિસ્થિતિનાં સમયે  શું  રાખવા જેવું, સંવર્ધન કરવા જેવું, અને બદલવા જેવું છે તે અંગેના યોગ્ય નિર્ણય સુધી આપણને લઇ જઈ શકે એમ છે !

તત્કાલીન પરિસ્થિતિ ‘ કોરોના મહામારી ’ ને લગતી પણ છે. ૨૦૨૦ ની સુપ્રભાતનાં આપણા નવલા સ્વપ્નાઓ જાણે રોળાય ગયા ! ક્યારેય ન જોયેલી, વિચારેલી, અનુભવેલી એવી વિકટ પરિસ્થિતિમાં કોઈ રાજ્ય કે દેશ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ ફસાયું છે. કોઈપણ બાબતને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે જોઈ શકાય અથવા મૂલવી શકાય એ હકીકત છે ! આજની નવી પરીસ્થિતિએ માણસને વિચારતો પણ કર્યો છે અને મોટેભાગે અસમર્થ પણ સાબિત કર્યો છે. લાખો લોકોનાં અકાળે મૃત્યુ એજ આપણી અસમર્થતા ! છેલ્લા કેટલાંક મહિનાઓમાં આપણી જીવન જીવવાની પદ્ધતિ પણ બદલાઈ છે. જીવન પ્રત્યેનો આપણો અભિગમ જરૂર બદલાયો છે.  રોજીંદી મથામણમાં - દોડધામમાં આપણે પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે પહેલાં જેટલાં જાગૃત ન્હોતા હતા એના કરતાં અનેક રીતે જાગૃત થયાં છે. ઘરમાં રહેવા છતાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખી છે. વસ્તુ વિના, મોજશોખ વિના અને ઓછી સગવડથી ચલાવી લેતાં જરૂર શીખ્યા છીએ. આવા અનેક મુદ્દાઓ આપણે નોંધી શકીએ છીએ જે આપણને આ ચાર - છ મહિનામાં આપણને પ્રાપ્ત થયાં છે.  આવા સંજોગોમાં  એટલે કે નવી નિર્માણ પામેલી પરિસ્થિતિને પહોંચી વળવા સકારાત્મક સોચ જ મદદરૂપ થાય છે. સમાજની સતત બદલાતી જતી પરિસ્થિતિ આજની સતત વિકસતી જતી ટેકનોલોજી, પેદા થતાં નીતનવા આવિષ્કારો, ઘટતું જતું અંતર એ  વિકાસ તો છે જ પરંતુ એ જ વિકાસ કુદરત સામે જૈવિક પર્યાવરણ સામે ખતરો ન બને તે માટે જાગૃત રહેવું એ પણ એક પડકાર છે.

ઊભી થયેલી વિષમ પરિસ્થિતિને ગંભીરતાથી સમજવી અને સકારાત્મક સોચ સાથે નિવારવી આ બાબતો સાંપ્રત અને ભવિષ્યમાં આવનારી એવી સંભવિત સમસ્યાઓનો ઉકેલ હોય શકે !  આવો, આપણે એવાં જ પ્રયત્નો કરીએ !!!   

બમ - બમ ભોલે !

 

એક હતાં બકરીબાઇ.  માયાળુ અને વળી એટલાં જ દયાળુ પણ ! પરંતુ બિકણ પણ ખરાં ! તેમાંય વળી કૂતરાથી તો તેઓ ખૂબજ બીવે ! બાજુમાં એક બિલાડીબેન અને બળદભાઇ  રહે,  ત્રણે સારાં અને સાચાં મિત્રો ! બકરીબાઇ આમ સ્વભાવે  શરમાળ અને બળદભાઇ તો સાવ મૂંગા ! આખો દિવસ ખા ... ખા  કરે ને એય નિરાંતે  બેસીને વાગોળે ! ઝડપથી  ખાવું અને  નિરાંતે  પચાવવું ! આ જ એમનો ક્રમ ! આ બાજુ  બિલાડીબેન જેનું નામ... ભારે ખબરદાર ને વળી ખટપટિયાં ! ગમાણ ની બાજુમાં  એક મોટું  શિવાલય. શિવ ભક્તો ભેગાં થાય અને  રોજ સવાર - સાંજ આરતી થાય. મોટા ઘંટનો ઘંટારવ થતાંની સાથે બળદભાઈ તો જાણે  ડોલવા લાગે ! આજે તો શિવરાત્રિનો પ્રસંગ હતો  ! તેથી  શિવાલયમાં  આજે રોજ કરતા  ભાવિક ભક્તોની વિશેષ ભીડ ઉમડી પડી હોય તેવું લાગ્યું  ! બકરીબાઈ અને બળદભાઈ બેઉ ઉત્સુકતાથી માથું ઊંચું કરી તાકી તાકી ને જોવા લાગ્યાં. શું થાય છે તેની કોઈને કશી સમજણ નથી પડતી ! બેઉ ખીલે બાંધેલાં એટલે લાચાર ...! હશે કંઈ, એમ કરીને ફરી પાછા બેઉ વાગોળે ચડ્યાં. બિલાડીબેન તો જાણે બધું સમજી ગયાં ! આજે બાજુનાં મંદિરમાં ભારે ધમાચકડી ને ધામધૂમ જોઇ બિલાડીબેન તપાસે નીકળ્યાં. લોકોની  ભારે અવર - જવરને કારણે લપાતાં છૂપાતા બિલાડીબેન આગળ વધ્યાં. મંદિરનાં ભોજનગૃહમાંથી  આવતી મીઠી મીઠી સુગંધે  બિલાડીબેનનાં મોઢામાં પાણી  લાવી દીધું !  મંદિરમાં બુંદીનો પ્રસાદ જોઇ તેમનાથી ન રહેવાયું. બિલાડીબેન તો પ્રસાદ લેવા બાકોરામાંથી ઝડપથી અંદર સરકી ગયાં ને બાપુની નજર ચૂકવી આખો થેલો જ ખેંચી લાવ્યાં. આ બાજુ પ્રસાદની સુગંધ આવતાં બાજરીનાં રાડાં ચાવતા બળદભાઇનું મોઢું અટકી ગયું, તેનાં પણ મોમાં પાણી આવી ગયું. બકરીબાઇ તો બે ત્રણ દિવસથી બિમાર પડયાં હતાં, ખાવાનું ખાસ ભાવતું ન હતું. બિલાડીબેનને બકરીબાઇની બહુ દયા આવી : વિચાર્યું, બકરીબાઇ આ પ્રસાદ ખાશે તો એમનું મોં સુધરશે ! પણ અહીં બળદભાઇએ તો પોતાનાં મોટાં શીંગડાં હલાવી બિલાડીબેનને ડરાવી દીધાં અને થેલો પોતાની તરફ ખેંચી લીધો. બિલાડીબેન તો ડઘાયાં, અચકાયાં ને ખચકાયાં ! પણ બીકનાં માર્યાં કંઇ બોલ્યાં જ નહીં. બકરીબાઇ પથારીમાં સૂતાં સૂતાં બોલ્યાં : બળદભાઇ આ રીતે એકલાં ખાશો તો બિમાર પડશો ને વહેંચીને ખાશો તો બધાંયને વહાલાં લાગશો. બકરીબાઇની નરમાશભરી વાત બળદભાઇનાં ગળે ઊતરી. તે રાજી થયાં  ને શિંગડા હલાવી ડોલવા લાગ્યાં. પછી ત્રણે જણાએ હળીમળીને બુંદીનાં પ્રસાદની બરાબર લ્હાણી કરી. બાજુનાં મંદિરમાંથી ભકતોએ પ્રસાદી લઇને જયજયકાર કર્યો : બમ - બમ ભોલે ! અહીં ત્રણે જણ એકીસાથે બોલી ઊઠયાં : બમ - બમ ભોલે ! બમ - બમ ભોલે !

શાળા અતીત

 

શાળા અતીત  (શાળાનો ઈતિહાસ)

          અંકલેશ્વર તાલુકા મથકેથી ૧૧ કિમી દૂર અંકલેશ્વર - હાંસોટ રોડ ઉપર વસેલું આ ગામ એટલે માટીએડ ! મા નર્મદાને કિનારે વસેલું આ પ્રગતિશીલ ગામ છે. ગામ વિશે વધુ ન કહીએ તો પણ ગામના નામ વિશે જાણવાની ઈચ્છા કોને ન હોય ? વર્ષો પહેલાં આ ગામ નર્મદા તટવર્તી ગામ હોવાથી આ ગામમાં માટીકામ એક મોટો વ્યવસાય હતો. ગામમાં વસેલો પ્રજાપતિ સમાજ માટીમાંથી બનતાં દેશી નળિયા અને માટીનાં અન્ય વાસણો બનાવવામાં મહારથ ધરાવતો હતો. અહીના માટીકામનાં વિવિધ ઉત્પાદનો પ્રખ્યાત હોવાથી તેની વહાણો દ્વારા નિકાસ પણ થતી હતી. આમ, આ ગામનું નામ માટીકામ નાં વ્યવસાયને કારણે ‘ માટીએડ પડ્યું એમ કહેવાય છે ! ગામના નદીકિનારે ઘણા વહાણો લાંગરવામાં આવતાં તેથી ગામમાં વહાણવટી સીકોતેર માતાનું ભવ્ય મંદિર પણ આવેલું છે. બીજું એવું જાણવા મળે છે કે ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામનાં રાજપૂત સમાજના લોકો વર્ષો પહેલાં અહી આવીને વસેલા તેઓ પોતાની અટક ‘ માટીએડા લખાવતા આમ ગામનું નામ એ રીતે પણ પ્રખ્યાત થયું.

          આ તો થઈ ગામની માહિતી. પરંતુ આજનાં શાળા સ્થાપના દિને આપણે શાળાનાં ઈતિહાસ થી માહિતગાર થઈએ. વર્ષો પહેલાં દેશમાં રાજાશાહી શાસન હોવાથી દેશી રજવાડાઓ હતાં. જેમાં ગુરુ – શિષ્ય પરમ્પરા હેઠળ બાળકોને તાલીમબદ્ધ કરવામાં આવતાં હતાં. ત્યારબાદ દેશમાં અંગ્રેજોનું  શાસન સ્થાપિત થવાથી વૈદિક પરમ્પરા ધીમે ધીમે નષ્ટ થતાં બ્રિટીશ શાસન હેઠળ ગામેગામ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવામાં આવી. જેમાં તે શાસનને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી. આ જ ઉપક્રમમાં  શાળાની સ્થાપના ૧૮ / ૦૪ / ૧૮૮૩ નાં રોજ થઈ હતી. જે તે સમયે શાળાનું પોતાનું મકાન ન હોવાથી ગામનાં જ વડીલ સ્વ. શ્રી દયારામ લક્ષ્મીરામ પટેલ નામના સદગૃહસ્થનાં મકાનમાં શરુ કરવામાં આવી. ચાર ઓરડાનાં મકાનમાં ૪૫ બાળકો સાથે ધોરણ ૧ થી ૭ ની શાળા ચાલતી હતી. તે સમયે શાળામાં શ્રી  કેસરીસિંહ અમરસિંહ માટીએડા, શ્રી ગોવિંદભાઈ ચાવડા, શ્રી કરશનભાઈ તથા વિશ્રામભાઈ જેવાં શિક્ષકો ફરજ બજાવતા હતાં. આ સમયે આઝાદીની ચળવળ ચાલતી હતી. આ ગામના વડીલ અને ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની શ્રી નારસિહ ઈશ્વરસિંહ માટીએડા કે જેઓએ આઝાદીની લડતમાં ભાગ લઈ ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. તેઓશ્રી આ શાળાનાં વિદ્યાર્થી હતાં. પાછળથી તેઓશ્રી ગામના પ્રથમ સરપંચ પણ રહ્યાં હતાં.

સમય જતાં પરિવર્તનના ભાગ રૂપે આઝાદી બાદ શાળાનાં પોતાનાં મકાનની  જરૂરિયાત ઊભી થઈ. ત્યારે ગામલોકોના સહકારથી શ્રી કાશીરામ ભગવાનભાઈ પટેલ નામના સદગૃહસ્થે ગામમાં જ ઇંટો પડાવી આ પાંચ ઓરડાનું મકાન વિક્રમ સંવત - ૨૦૦૭ અને ઈ.સ. ૧૯૫૧માં બનાવેલું. ધોરણ ૧ થી ૭ ની શાળામાં તે સમયે પણ ૭ શિક્ષકો ફરજ બજાવતાં હતાં. જે તે સમયે શાળાનું કમ્પાઉન્ડ ન હોવાને કારણે લોકો શાળા પ્રાંગણમાંથી જ અવરજવર કરતાં હતા. સમય જતાં ઈ.સ. ૧૯૬૮માં શાળાનું સંચાલન સર્વોદય સંસ્થાને સોંપવામાં આવેલું. જેમાં શિક્ષણની સાથે કાંતણ વણાટ અને ખેતીવાડીની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી. તે સમયે શ્રી અંબુભાઈ નરોત્તમભાઈ પટેલ,  શ્રી રમણભાઈ પટેલ, શ્રી લક્ષ્મણભાઈ પટેલ, શ્રી મૂળજીભાઈ પ્રજાપતિ અને શ્રી શાંતાબેન જેવા શિક્ષકો ફરજ બજાવતા હતાં. આશરે ૧૯૮૧થી શાળાનું સંચાલન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,ભરૂચ હસ્તક થયા બાદ ગામના સરપંચ શ્રી હરેન્દ્રસિંહ વિજયસિંહ ચૌહાણનાં પ્રયત્નોથી શાળા કમ્પાઉન્ડ વોલ અને છઠ્ઠા ઓરડા તરીકે એક ઓરડો બનાવવામાં આવ્યો.

સમય પસાર થતો જાય છે... શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી બાલુભાઈ પટેલ અને શ્રી કાંતિભાઈ પટેલ નવા મુખ્યશિક્ષક તરીકે ક્રમશ : આવ્યાં.  શ્રી કાંતિભાઈનાં સમયગાળામાં બે વર્ગખંડો અને સેનિટેશન બનાવવામાં આવ્યાં. ત્યારબાદ શ્રી રમેશભાઈ પટેલ આ શાળામાંથી નિવૃત થતાં અગાઉ દોઢ વર્ષના ટૂંકા સમય માટે શાળાનાં મુખ્યશિક્ષક તરીકે રહ્યાં. તેમના સમયમાં આસ્થા ચોક, પતરાનો શેડ,પાણીની પરબ અને શાળા કમ્પાઉન્ડમાં બ્લોકની કામગીરી થઈ. તેમની નિવૃત્તિ બાદ શ્રી ઉષાબેન સોલંકી મુખ્યશિક્ષક તરીકે આવ્યાં. બે જર્જરિત ઓરડાની જગ્યાએ શ્યામાપ્રસાદ મુખર્જી રૂરલ મિશન અંતર્ગત સાયન્સ લેબ, કમ્પ્યુટર રૂમ, પુસ્તકાલય અને સેનિટેશન બ્લોક બનાવવામાં આવ્યાં છે. શાળાનાં હાલના મુખ્યશિક્ષક શ્રી સુરેશભાઈ વસાવા છે. શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુમાર ૭૧ કન્યા ૫૧ મળી કૂલ ૧૨૨ બાળકો અભ્યાસ કરે છે. હાલમાં પાંચ શિક્ષકો ફરજ બજાવે છે.